રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામે દીકરીઓ દ્વારા નવરાત્રિમાં નવ દિવસ રામાયણ હપ્તા વાઇઝ ઉજવવામાં આવતી હતી. સેવા સમાજ આયોજિત અને પરસોતમભાઇ ચીખલિયાના માર્ગદર્શનથી યોજાતી આ રામાયણમાં તમામ પાત્રો ગામની દીકરીઓ જ ભજવતી હતી. પરંતુ 1984માં નવરાત્રિ દરમિયાન રામાયણમાં લંકા દહન કરવા હનુમાનજીનું પાત્ર ભજવવા કોઇ દીકરી તૈયાર ન થઇ. ત્યારે પરસોતમભાઇનો ધો.10માં અભ્યાસ કરતો પુત્ર શૈલેષે હનુમાનજીનું પાત્ર ભજવવા ઉત્સુકતા દર્શાવી અને રામાયણમાં વિવિધ પાત્રો ભજવતી દીકરીઓએ પણ શૈલેષને હનુમાનજીનું પાત્ર ભજવવા આવકાર્યો. પરંતુ શૈલેષને ક્યાં ખબર હતી કે લંકાના બદલે અકસ્માતે ખુદ પોતાનું દહન થવાનું છે.
શૈલેષે હોંશે હોંશે સંવાદો તૈયાર કરી રિહર્સલ શરૂ કરી. રિહર્સલમાં લંકા દહન કરવાનો ઘટનાક્રમ પૂંછડું સળગાવી સરસ રીતે ભજવાયો. હવે સમય આવી ગયો હતો. લંકા દહનના વાસ્તવિક એપિસોડનો. ગાંધીચોકમાં 1 ઓક્ટોબર 1984ના દિવસે લંકા દહન નિહાળવા આખુ ગામ ઉમટી પડ્યું હતુ. ચોકની વચ્ચે કાગળોના પડિકા બનાવી લંકા ઉભી કરાઇ હતી. શૈલેષે ભીંડી (સુકા ખડ)નો પોષાક પહેરી આબેહૂબ હનુમાનજીના પાત્રમાં ગળાડૂબ થઇ ગયો હોય તેમ પૂંછડું સળગાવ્યા બાદ કૂદકા મારતા મારતા ઉભી કરાયેલી લંકા સળગાવતા ગયા. જેમાં વધુ ઉંચો કૂદકો મરાઇ જતાં પૂંછડું હાથમાંથી છટકી ગયું અને શૈલેષના શરીરને સ્પર્શી ગયું અને શરીરે હનુમાનજી જેવા રૂછડા બતાવવા પહેરેલો સુકા ઘાંસનો પોષાકે આગ પકડી લીધી.
આખા મેદાનમાંથી કોઇએ આગ બૂઝાવવાની હિંમત ન કરી, પરંતુ ગામના જ બાબુભાઇ કણસાગરાએ નજીક જઇ નીચે પાથરેલા પાથરણા શૈલેષને વીંટાળી દઇ આગ બુઝાવી નાંખી પણ તે પૂર્વે શૈલેષ આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો. તાત્કાલિક ડોક્ટર બોલાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી અને તાત્કાલિક તેને જુનાગઢ હોસ્પિટલ ખસેડાયો. શૈલેષના કાકા જામનગરના ડો. લક્ષ્મણભાઇ ચીખલિયા જુનાગઢ દોડી આવ્યા અને વધુ સારવાર્થે શૈલેષને તત્કાલ જામનગર રિફર કર્યો.
તેમ છતાં ગંભીર રીતે દાઝેલા શૈલેષની સારવાર કારગત ન નીવડી અને 16 ઓક્ટોબર 1984ના રોજ જામનગર હોસ્પિટલમાં શૈલેષનો જીવનદીપ બૂઝાઇ ગયો. કોલકી ગામમાં ગમગીની છવાઇ ગઇ. ગાંધી ચોક સૂમસાન બની ગયો. રામાયણમાં સહપાત્ર ભજવતી બહેનો સહિત આખુ ગામ હિંબકે ચડ્યું. કરૂણતા એ હતી કે, હનુમાનજી બનેલા શૈલેષની પૂંછને તેના પિતા પરસોતમભાઇએ જ આગ ચાંપી હતી. તેમને ક્યાં ખબર હતી કે, રામાયણમાં લંકા સળગાવવા ગયેલા પુત્રનો જીવનદીપ જ આ આગથી બૂઝાઇ જવાનો છે ! આ દિવસથી રંગમંચના માનવી પરસોતમભાઇએ નવરાત્રિ અને રંગમંચને કાયમ માટે અલવિદા કહીં દીધું. જીવનના આઠ દાયકા વિતાવી ચૂકેલા પરસોતમભાઇ 1984થી લઇ આજદિન સુધી લાડકવાયા દીકરાના મૃત્યુંના શોકમાં મનોમન બળી રહ્યાં છે. દરેક નવરાત્રિ કોલકી ગામને લંકા દહનની આ દૂર્ઘટના યાદ કરાવી રડાવી દે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2nPDwYJ
via IFTTT
No comments:
Post a Comment