
સુપ્રીમમાં દાખલ કરાયેલી 20 અરજીઓમાં રામલલા વિરાજમાન, સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ અને નિર્મોહી અખાડા મુખ્ય પક્ષકાર છે. તેમાં એક નવા પક્ષકાર શિયા સેન્ટ્રલ બોર્ડ પણ છે. જે વિવાદિત સ્થળે રામ મંદિર જ બનાવવાના પક્ષમાં છે. શિયા બોર્ડ બીજા સ્થળે મસ્જિદ બનાવવાની માગ કરી રહ્યું છે. નોંધનીય છે કે અલ્હાબાદ હાઇકોર્ટની લખનઉ બેંચે 2010માં ચુકાદો સંભળાયો હતો. કોર્ટે વિવાદિત ક્ષેત્રને રામલલા વિરાજમાન, નિર્મોહી અખાડા અને સુન્ની વકફ બોર્ડને સરખા ત્રણ ભાગમાં વહેંચી દેવાનો ચુકાદો સંભળાવ્યો હતો. ત્યાર બાદ આ મામલો 2011માં સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. પરંતુ સંબંધિત દસ્તાવેજોને નીચલી કોર્ટ અને હાઇકોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા 3 વર્ષ લાગી ગયા. આ મામલે સંકળાયેલા 7 ભાષામાં આશરે હજારો પાનાના દસ્તાવેજોનું અંગ્રેજી અનુવાદ ન થઇ શકતા પણ સુનાવણી અટકેલી રહી. 8 વર્ષમાં તમામ દસ્તાવેજોનું અનુવાદ થઇ શક્યું. તેના માટે સુપ્રીમ કોર્ટને 11 વખત આદેશ આપવા પડ્યા હતા.
કેસના 7 મુખ્ય મુદ્દા અને તેના પર સુપ્રીમ કોર્ટમાં હિન્દુ-મુસ્લિમ પક્ષકારોની દલીલો
સુપ્રીમ કોર્ટમાં ચાલેલી સુનાવણી અંગે ભાસ્કરે વરિષ્ઠ વકીલોની મદદથી એ 7 મુદ્દાને પસંદ કર્યા, જે સૌથી વધુ ફોકસમાં રહ્યા. તેના પર બંને પક્ષકારોએ સૌથી મજબૂત દલીલો કરાઇ. આવો જાણીએ આ મુખ્ય મુદ્દા ક્યા છે? અને તેના પર બંને પક્ષો વતી શું દલીલો આપવામાં આવી. સાથે જ વાંચો આ મુદ્દા પર અલ્હાબાદ હાઇકોર્ટનો જુનો ચુકાદો.
માલિકી હક કોનો
હિન્દુ પક્ષ: રામલલા વિરાજમાને કહ્યું 2.77 એકર વિવાદી ભૂમિ પર મંદિર હતું, જેની જગ્યાએ બાબરે મસ્જિદ બનાવડાવી. 85 થાંભલા, તેના પરની ચિત્રકારી અને એએસઆઇનો રિપોર્ટ તેની પુષ્ટિ કરે છે. ભલે મસ્જિદ બની ગઇ, પરંતુ માલિકી હક તો હિન્દુઓનો જ રહેશે.
નિર્મોહી અખાડાએ કહ્યું વિવાદિત સ્થળ પર અમે શરૂથી શેબેટ (દેવતાના સેવક) રહ્યા છીએ. માલિકી હક અમારો છે.
સુન્ની વકફ બોર્ડ: મસ્જિદ 400 વર્ષોથી હતી. બ્રિટિશ ગ્રાન્ટ પણ આપતા હતા. અંગ્રેજોએ માત્ર પૂજાનો હક આપ્યો હતો.
હાઇકોર્ટનો ચુકાદો: જસ્ટિસ ધર્મવીર શર્માએ રામલલા વિરાજમાનનો સંપૂર્ણ જમીન પર માલિકી હક સ્વીકાર કર્યો. અન્ય બે જજ જસ્ટિસ સુધીર અગ્રવાલ અને જસ્ટિસ એસયુ ખાને ત્રણેયને સરખા ભાગ આપ્યા.
જમીન પર કોનો કબજો
હિન્દુ પક્ષ: વર્ષ 1934 પછી આ સ્થળ પર મુસ્લિમોએ નમાજ બંધ કરી દીધી. પરંતુ હિન્દુઓએ પૂજા ચાલુ રાખી. હિન્દુ વર્ષ 1800 પહેલાંથી સતત પૂજા કરતા રહ્યા છે. નિર્મોહી અખાડાએ કહ્યું મુસ્લિમ પક્ષકારોએ પણ માન્યું છે કે અમે વર્ષ 1855થી શેબેટની ભૂમિકામાં છીએ.
મુસ્લિમ પક્ષકાર: અમને નમાજથી બળજબરીથી અટકાવ્યા. વર્ષ 1934 પછી નિયમિત નમાજ બંધ થઇ ગઇ. સાક્ષીઓએ પુષ્ટિ કરી છે કે જ્યારે નમાજની કોશીશ કરાઇ તો જેલમાં નાંખ્યા. ભલે નમાજ બંધ હોય પરંતુ કબજો તો અમારો છે.
હાઇકોર્ટનો ચુકાદો: મુસ્લિમ પક્ષકાર અને નિર્મોહી અખાડા લાંબા સમય સુધી જમીન પર કબજેદાર રહ્યા. તેથી રામલલા વિરાજમાનની સાથે જમીનનો એક ભાગ તેમને આપવામાં આવે.
એએસઆઇ રિપોર્ટમાં દાવો
હિન્દુ પક્ષ: વિવાદિત સ્થળે ખોદકામ બાદ એએસઆઇ રિપોર્ટમાં સ્પષ્ટ છે કે ત્યાં મળેલા અવશેષો અને થાંભલા કોઈ મંદિરના છે. એટલે અહીં મંદિર હતું. કુર્રઆન મુજબ મસ્જિદ પર કોઇ પણ પ્રકારના ચિત્ર પર પ્રતિબંધ હોય છે.
મુસ્લિમ પક્ષ: તે રિપોર્ટ નિષ્ણાતોના માત્ર વિચાર છે. ખોદકામ સમયે એએસઆઇ ભાજપના એક મંત્રીના ઇશારે કામ કરી રહી હતી. એવી ઘણી મસ્જિદો છે કે જેના પર ફૂલ-પાન બનેલા છે. વિવાદિત સ્થળે મળેલા અવશેષ ઇદગાહના તો હોઇ શકે છે પણ મંદિરના નહીં.
હાઇકોર્ટનો ચુકાદો: જસ્ટિસ અગ્રવાલ અને જસ્ટિસ શર્માએ એએસઆઇનો રિપોર્ટ સ્વીકાર્યો હતો. તેમણે કહ્યું હતું કે રિપોર્ટના તથ્યો નકારી શકાય નહીં. જસ્ટિસ એસ. યુ. ખાને એએસઆઇનો રિપોર્ટ નહોતો સ્વીકાર્યો.
મસ્જિદની ઓળખ શું
હિન્દુ પક્ષ: કુર્રાન અનુસાર મસ્જિદમાં ચિત્રકારી નિષેધ છે. મસ્જિદ અન્ય ધાર્મિક સ્થળે બનાવાઇ હોય તો ગેરકાયદે છે. આસપાસ કબર હોય તો તે મસ્જિદ નથી કહેવાતી જ્યારે વિવાદિત સ્થળે ઘણી કબરો મળી હતી. એએસઆઇના રિપોર્ટથી સ્પષ્ટ છે કે મંદિરમાં ફેરફાર કરી મસ્જિદ બનાવાઇ.
મુસ્લિમ પક્ષ: એ ખોટું છે કે મસ્જિદમાં ચિત્રકારી ન થઇ શકે. મસ્જિદની દીવાલો પર માનવચિત્ર કે સંરચના ન બનાવવી જોઇએ. એ તર્ક પણ ખોટો છે કે આસપાસ કબર હોય તો નમાજ અદા ન કરી શકાય.
હાઇકોર્ટનો ચુકાદો: જસ્ટિસ અગ્રવાલ અને જસ્ટિસ શર્માએ કહ્યું કે હાલના તથ્યોના આધાર પર વિવાદિત માળખાને મસ્જિદ ન કહી શકાય. જસ્ટિસ ખાને આ મુદ્દે કંઇ
નહોતું કહ્યું.
રામનું મૂળ જન્મસ્થાન
હિન્દુ પક્ષ: મસ્જિદના કેન્દ્રીય ગુંબજની નીચેનું સ્થાન જ ભગવાન રામનું મૂળ જન્મસ્થાન છે.
મુસ્લિમ પક્ષ: આ જે દાવો કરાય છે તે એ તથ્ય પર આધારિત છે કે પુજારીએ કહ્યું કે તેમને ભગવાન રામે સપનામાં આવીને આ જગ્યા અંગે માહિતી આપી. આવો દાવો ન માની શકાય. વિવાદિત સ્થળ નજીક જન્મસ્થાનના નામથી એક મંદિર છે, કેટલાક લોકો તેને રામનું જન્મસ્થાન માને છે જ્યારે કેટલાક લોકો રામ ચબૂતરાને ભગવાનનું જન્મસ્થાન ગણાવે છે. તો દાવો સાચો કેવી રીતે?
હાઇકોર્ટનો ચુકાદો: જસ્ટિસ શર્મા અને જસ્ટિસ અગ્રવાલે કહ્યું- રામ ક્યાં જન્મ્યા હતા તે કહી શકાય તેમ નથી. લોકોની આસ્થા છે કે આ પ્રાંગણમાં રામનો જન્મ થયો. જસ્ટિસ ખાન કંઇ ન બોલ્યા.
મંદિરની જગ્યાએ મસ્જિદ કેવી રીતે
હિન્દુ પક્ષ: બાબરી મસ્જિદના નિર્માણ માટે મંદિર મુગલ શાસક બાબરે તોડાવ્યું હતું કે ઔરંગઝેબે તેના પુરાવા કે દસ્તાવેજ જ નથી. ખરેખર તો વિવાદિત માળખું મંદિર હતું, જેને મસ્જિદમાં ફેરવી દેવાયું. ત્યાં મસ્જિદનું નવેસરથી નિર્માણ થયું જ નહોતું.
મુસ્લિમ પક્ષ: વિવાદિત સ્થળે કોઇ મંદિર હતું જ નહીં. વર્ષ 1527માં બાબરના કહેવાથી તેના સેનાપતિ મીર બાકીએ એક સમતળ જમીન પર મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. ઘણા ઇસ્લામિક પુસ્તકોમાં તેનો ઉલ્લેખ છે.
હાઇકોર્ટનો ચુકાદો: જસ્ટિસ ખાને કહ્યું કે મંદિરની વાત એએસઆઇના રિપોર્ટથી કહેવાઇ રહી છે. બે જજે કહ્યું કે મંદિર તોડાયું તેના પુરાવા નથી પણ પહેલાં મંદિર હતું. તે તથ્યોથી સ્પષ્ટ છે.
ન્યાયિક વ્યક્તિ છે કે નહીં...
હિન્દુ પક્ષ: રામ અને તેમની જન્મભૂમિ આસ્થાનું કેન્દ્ર છે. લોકો આ ભૂમિને ભગવાનની જેમ પૂજે છે. તેથી રામલલા ન્યાયિક વ્યક્તિ છે.
મુસ્લિમ પક્ષ: વિવાદિત સ્થળને ન્યાયિક વ્યક્તિ ન માની શકાય. કોર્ટ તેવું કરે તો પછી મસ્જિદ પણ ન્યાયિક વ્યક્તિ છે.
હાઇકોર્ટનો ચુકાદો: જસ્ટિસ સુધીર અગ્રવાલ અને ધર્મવીર શર્માએ સ્થળને ન્યાયિક વ્યક્તિ માની હતી. જસ્ટિસ એસ. યુ. ખાને નહોતી માની.
જજે પૂછ્યું હતું- શું રામના વંશજોમાંથી કોઇ હયાત છે?
ચોથો દિવસ: કોર્ટે પૂછ્યું કે શું ભગવાન રામના વંશજોમાંથી કોઇ હાલ હયાત છે? (ત્યાર બાદ જયપુર અને મેવાડના રાજવી પરિવારોએ તેઓ રામના વંશજ હોવાનો દાવો કર્યો હતો)
છઠ્ઠો દિવસ: હિન્દુ પક્ષે ઐતિહાસિક પુસ્તકો, વિદેશી પ્રવાસીઓના ટ્રાવેલોગ અને વેદ-સ્કંદ પુરાણની દલીલો રજૂ કરી.
આઠમો દિવસ: રામલલા બિરાજમાનના વકીલે અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો ટાંકીને કહ્યું- જજે તેમના ચુકાદામાં લખ્યું છે કે મંદિર તોડીને જ મસ્જિદ બનાવાઇ છે.
નવમો દિવસ: રામલલાના વકીલે કહ્યું- કોઇ પણ માત્ર મસ્જિદ જેવું માળખું ઊભું કરીને તેના પર માલિકીહકનો દાવો ન કરી શકે.
18મો દિવસ: મુસ્લિમ પક્ષકારોએ દાવો કર્યો કે 22-23 ડિસેમ્બર, 1949ની રાત્રે બાબરી મસ્જિદમાં મૂર્તિઓ રાખવા માટે કેટલાક અધિકારીઓની હિન્દુઓ સાથે મિલીભગત હતી. આ કાવતરું હતું.
22મો દિવસ: મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું કે તેમને ફેસબુક પર ધમકી મળી છે. સીજેઆઇએ કહ્યું- આવા કૃત્ય ન થવા જોઇએ.
26મો દિવસ: સુપ્રીમકોર્ટે કહ્યું કે 18 ઓક્ટોબર સુધીમાં દલીલો પૂર્ણ કરો, જેથી જજોને ચુકાદો લખવા 4 અઠવાડિયાનો સમય મળી રહે.
27મો દિવસ: રાજીવ ધવને મુખ્ય ગુંબદની નીચે ગર્ભગૃહ હોવાના દાવાને ઉપજાવી કાઢેલો ગણાવ્યો. તે અંગે જજોએ તેમને સવાલ કર્યા. તો ધવને જજના ટોનને આક્રમક ગણાવ્યા. જો કે પછીથી તેમણે માફી માંગી લીધી.
30મો દિવસ: મુસ્લિમ પક્ષે કહ્યું કે રામચરિત માનસની રચના મસ્જિદ બન્યાના 70 વર્ષ પછી થઈ પરંતુ ક્યાંય એ ઉલ્લેખ નથી કે રામજન્મ સ્થળ ત્યાં જ છે. જ્યાં મસ્જિદ છે. એટલે જન્મસ્થળ અંગે હિંદુઓની આસ્થા પણ પછીથી બદલાઈ ગઈ.
31મો દિવસ: મુસ્લિમ પક્ષ પોતાના એ નિવેદનથી પાછો ફર્યો જેમાં કહેવાયું હતું કે વિવાદી સ્થળના બહારના ભાગમાં સ્થિત રામચબુતરો જ ભગવાન રામનું જન્મ સ્થળ છે. સાથે જ એએસઆઈના એ રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યો જેમાં સંકેત આપ્યો હતો કે આ માળખું બાબરી મસ્જિદ પહેલાનું હતું.
32મો દિવસ: મુસ્લિમ પક્ષકારોએ એએસઆઈના રિપોર્ટ પર એક દિવસ પહેલાં જ અનેક ટિપ્પણીઓ પર યુટર્ન લીધું અને સમય બરબાદ કરવા બદલ માફી માંગી.
38મો દિવસ: મુસ્લિમ પક્ષે આરોપ લગાવ્યો કે હિન્દુ પક્ષ સાથે સવાલ જ કરવામાં આવી રહ્યાં.
39મો દિવસ: સુપ્રીમકોર્ટે બુધવારે (40મો દિવસ) સુનાવણી પૂરી કરવાના સંકેત આપ્યા.
હિન્દુ પક્ષકારોએ કુર્રઆન વાંચ્યું તો મુસ્લિમ પક્ષે પુરાણ
ધાર્મિક ગ્રંથ: હિન્દુ પક્ષકારોએ કુર્રઆન અને બાબરનામાનો અભ્યાસ કર્યો જ્યારે મુસ્લિમ પક્ષકારોએ રામચરિત માનસ, સ્કંદ પુરાણ સહિત ઘણા હિન્દુ ગ્રંથોનો ઝીણવટભેર અભ્યાસ કર્યો.
10 લાખ રૂ.ના પુસ્તકો ખરીદયા: મુસ્લિમ પક્ષે અંદાજે 700 પુસ્તક ફંફોળ્યા અને 10 લાખ રૂ.થી વધુ રકમ પુસ્તકો ખરીદવા ખર્ચ કરી. 50 વકીલની ટીમ દસ્તાવેજો ફંફોળતી રહી.
20-22 કલાક કામ કર્યું: હિન્દુ પક્ષકારોના વકીલોએ સુનાવણી દરમિયાન રોજ 20-22 કલાક કામ કર્યું. સાથે જ મુસ્લિમ શાસકોનો ઇતિહાસ વાંચ્યો.
12.5 લાખ પેજની ફોટોકોપી: આ ઐતિહાસિક કેસની સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષકારોએ અંદાજે 7.5 લાખ અને મુસ્લિમ પક્ષકારોએ 5 લાખથી વધુ પેજની ફોટોકોપી કરાવી.
અયોધ્યા હાઈએલર્ટ પર, પીએસીની 47 કંપની તહેનાત, વધુ 200 બોલાવાઈ
સુપ્રીમ કોર્ટના સંભવિત ચુકાદા અને તે પહેલા દિવાળીને કારણે અયોધ્યા સુરક્ષાને લઈ એક કિલ્લામાં ફેરવાઈ ગયું છે. જોકે, અહીં હંમેશા હાઈસિક્યોરિટી હોય છે પરંતુ આ વખતે પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બની છે. યુપીના મુખ્ય સચિવ રાજેન્દ્ર તિવારી, ડીજીપી ઓ.પી.સિંહ સહિત અનેક મોટા અધિકારી અહીં આવી રહ્યા છે. અયોધ્યા 3 ઝોનમાં વહેંચાયું છે- રેડ, યલો અને બ્લુ ઝોન. રેડ ઝોનમાં વિવાદિત સ્થળની સુરક્ષા. સુરક્ષાદળ આધુનિક હથિયારો, વોચ ટાવર, ડ્રોન કેમેરા, સીસીટીવી સાથે સજ્જ છે. અયોધ્યામાં પ્રવેશવાના રસ્તા, ઘાટ અને સરયુ નદીના કિનારે દેખરેખ માટે લગાવાયેલા સીસીટીવી કેમેરા લાગેલા છે. અયોધ્યામાં પ્રવેશના તમામ દ્વાર પર બેરિકેડ મૂકાય છે. પીએસીની 47 કંપની બોલાવાઈ છે. આવનારા દિવસોમાં 200 કંપની તહેનાત કરાશે.
સાર્વજનિક સ્થળે ટીવી ડિબેટ પર પ્રતિબંધ, કારસેવકપુરમ શાંત
1989, 1991 અને 2003ના શિલાદાન વખતે રામભક્તોનું મુખ્ય કેન્દ્ર કારસેવકપુરમ હાલમાં શાંત છે. કલમ 144 લાગુ હોવાથી વહીવટીતંત્ર દ્વારા જાહેર સ્થળો પર ટીવી ડિબેટ પર પ્રતિબંધ ફરમાવાયો છે. મંગળવારે અયોધ્યામાં દિવાળી અંગેની અધિકારીઓ અંગેની બેઠકમાં સંતો પણ ગયા હતા.
ભાસ્કરે બંને પક્ષોના મનની વાત જાણી...
એક વર્ષમાં મંદિર બની જશે : મંદિર નિર્માણ માટે પથ્થર પસંદ કરાયા છે, એક વર્ષમાં મંદિર બની જશે. પરિસરની બાકીની જમીન પર હોસ્પિટલ, લાઈબ્રેરી બનશે. - નૃત્યગોપાલદાસ, અધ્યક્ષ, શ્રીરામ જન્મભૂમિ ન્યાસ
કોર્ટ તથ્યો આધારે નિર્ણય કરશે : સુપ્રીમકોર્ટ તથ્યોના આધારે રામમંદિરના પક્ષમાં નિર્ણય કરશે. મંદિર નિર્માણની 65 ટકા શિલા પસંદ થઈ ચૂકી છે. તેનાથી પ્રથમ માળ બનશે.- શરદ શર્મા, મીડિયા પ્રભારી, વિહિપ
બસ શાંતિ જળવાઈ રહે : અયોધ્યાના મુસલમાનોને મુશ્કેલી નથી. વાતાવરણ શાંત જ રહેશે. જ્યારે રાજકારણ હોય છે ત્યારે હિન્દુ-મુસ્લિમને લડાવવામાં આવે છે.- ઈકબાલ અન્સારી, પક્ષકાર, બાબરી મસ્જિદ
અમે તો નિર્ણયની રાહ જોઈએ છે : જોવાનું છે કે સૌથી મોટી અદાલત શું ચુકાદો આપે છે ? એ નક્કી છે કે ચુકાદો એક પક્ષની જ તરફેણમાં આવશે. અમારી જવાબદારી છે કે સદભાવ જળવાઈ રહે. - હાજી મહેબુબ, મસ્જિદના પક્ષકાર.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2OMD9sS
via IFTTT
No comments:
Post a Comment